સેન્ટ્રલ વીજીલન્સ કમીશન, લોકાયુકત અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફરિયાદ કરાશે
Share this:
- રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડરના કરોડોના કૌભાંડના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં
- મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા સત્તાના દૂરપયોગ અને મ્યુનિસિપલ તિજોરીના જાહેરનાણાંના દુર્વ્યયને લઇ ફરિયાદ કરવાની કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ગંભીર ચીમકી
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી ખાતા દ્વારા શહેરમાં ગટર સફાઇના કામકાજ માટે બે રિસાઇકલર મશીનો ભાડે લેવા અંગેના રૂ.૩૫.૬૫ કરોડના બહાર પાડવામાં આવેલા ટેન્ડરને પગલે અમ્યુકોની આગામી ચૂંટણી પહેલાં જ બહુ ગંભીર અને મોટો વિવાદ સામે આવ્યો છે ત્યારે હવે આ સમગ્ર મામલે વિપક્ષ કોંગ્રેસ બહુ આક્રમક મૂડમાં આવી ગયુ છે. રિસાઇકલર મશીનો ભાડે લેવાના ટેન્ડરના કરોડોના કૌભાંડના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા સત્તાના દૂરપયોગ અને મ્યુનિસિપલ તિજોરીના જાહેરનાણાંના દુર્વ્યય થઇ રહ્યો હોઇ આ મામલે સેન્ટ્રલ વીજીલન્સ કમીશન(સીવીસી), લોકાયુકત અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફરિયાદ કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે, જેને લઇ હવે રાજકારણ ભારે ગરમાયુ છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ દ્વારા રિસાઇકલર મશીનો ભાડે લેવા અંગેના રૂ.૩૫.૬૫ કરોડના જારી કરાયેલા વિવાદીત ટેન્ડરમાં એ હદની ઉદાર શરતો રખાઇ છે કે, કોન્ટ્રાકટરે જ જાણે ટેન્ડર તૈયાર કરીને મોકલ્યુ હોય તેવી વાત ઉભી થાય છે. સામાન્ય રીતે કોન્ટ્રાકટર કામ કરવામાં નિષ્ફળ જાય તો, તેને પેનલ્ટી કરવાની શરત હોય છે. તેના સ્થાને આ ટેન્ડરમાં શીરપાવ આપવાની ગુજરાત આખામાં કયાંય નથી તેવી શરત રખાઇ છે કે, કોન્ટ્રાકટર કામ કરવામાં નિષ્ફળ જશે તો જૂના પુરાણા રિસાઇકલર મશીનો અમ્યુકો જાતે ખરીદી લેશે. આ બહુ બેહુદી અને ગેરકાયદે શરત છે અને જો એવું જ હોય તો અમ્યુકો સત્તાધીશો મશીનો ભાડે લેવાના બદલે પહેલેથી જ ખરીદી કેમ લેતા નથી તે સૌથી મહત્વનો સવાલ છે. અમ્યુકો સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ દ્વારા મીસ યુઝ ઓફ પાવર્સ(સત્તાનો દૂરપયોગ) અને મ્યુનિસિપલ તિજોરીના જાહેર નાણાંનો બગાડ કેવી રીતે થાય છે તે અંગે ઇમરાન ખેડાવાલાએ ઉમેર્યું કે, મ્યુનિસિપલ કમિશનરને હાલ સીમીત પાવર્સ મળેલા છે ત્યારે આટલો મોટો નિર્ણય કેમ લેવાઇ રહ્યો છે, વળી, કોરોનાના કારણે કરકસરની સૂચના આપેલી જેની અવગણના કોના લાભાર્થે થઇ રહી છે, અમદાવાદ અને સુરતમાં એક જ સમયે સરખા ટેન્ડર બહાર પાડયા તે બાબત જ પુરવાર નથી કરતી કે, આદેશો ગાંધીનગરના હોઇ શકે ? મશીનો વેચાતા લેવાય તો, ગ્રાંટ નાણાં પંચમાંથી મળે તો મ્યુનિસિપલ તિજોરીના માથે રૂ.૩૫.૬૫ કરોડના ખર્ચનો બોજાનો નિર્ણય કેમ લેવાયો તે જાહેર નાણાંનો દૂરપયોગ જ કહેવાય ને..ઉપરાંત જે મશીનો મ્યુનિસિપલ કોર્પોરેશને ખરીદી લેવાના હોય તો મેન્યુફ્રેકચરરના પેરામીટર્સ કેમ નથી મૂકાયા, કોન્ટ્રાકટર કામ યોગ્ય રીતે ના કરે તો તેની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લીસ્ટ કે ટર્મીનેટ કરવાનો હોય છે, તેમાં મશીનો ખરીદી લેવાની વાત ગળે ઉતરે તેવી નથી કારણ કે, મશીનો ખરીદી લેવાથી ડિપોઝીટ પણ કોન્ટ્રાકટરને પાછી આપવી પડશે અને સજાની જોગવાઇ નહી હોવાથી સીવીસીની ગાઇડલાઇનનો પણ ભંગ ગણાય. સૌથી મહત્વની વાત કે, મહિના પછી ચૂંટાયેલી બોડી અમ્યુકોમાં સત્તા સ્થાને આવવાની છે તે પહેલાં રિસાઇકલર મશીનો મુદ્દે આટલી અસાધારણ ઉતાવળ કેમ દાખવવામાં આવી રહી છે આ બધા ગંભીર સવાલો અમ્યુકો સત્તાધીશો અને અધિકારીઓના સત્તાના દૂરપયોગ અને મ્યુનિસિપલ તિજોરીમાંથી પ્રજાના મહેનત-પરસેવાના ટેક્સના તેમ જ જાહેર નાણાંના દુર્વ્યયની વાત સામે લાવી દે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાય સમયથી કાંડ, કટકી અને કૌભાંડનો અડ્ડો બની ગયુ છે તેવા આક્ષેપો બોર્ડમાં થતા હોય છે ત્યારે આ શૃંખલામાં આ વિવાદીત ટેન્ટરે ઉમેરો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રિસાઇકલર મશીનોના ટેન્ડર મુદ્દે હવે ભાજપ સરકારમાં પણ તેના બહુ ગંભીર અને ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભાજપ માટે સત્તાની દ્રષ્ટિએ બહુ મહત્વની અને પ્રતિષ્ઠાભરી મનાતી અમ્યુકોની ચૂંટણી પહેલાં જ આ વિવાદ સામે આવતાં ભાજપ માટે ડિફેન્સનો માથાનો દુ:ખાવો ઉભો થયો છે તો કોંગ્રેસ માટે ચૂંટણી ટાણે જ એક બહુ મોટો અને વિવાદનો મુદ્દો હાથ લાગી ગયો છે. જેથી હવે ભાજપ માટે તો સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ બની રહી છે. ખાસ કરીને ગાંધીનગરના કોઇ અધિકારીના ઇશારે બે રિસાઇકલર મશીનો ભાડે લેવાનો કારસો રચાઇ રહ્યો હોવાની ચર્ચા ખુદ ભાજપ અને અમ્યુકો વર્તુળમાં ચર્ચાની એરણે છે તો, બીજીબીજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હવે ગંભીર આક્ષેપો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી ટાણે આ કૌભાંડના વિવાદનો મુદ્દો જોરશોરથી ચગાવવામાં અને તેને લઇને પબ્લીકમાં જવાનું મન બનાવાયુ છે, જેને લઇ હવે ભાજપ માટે બહુ વિમાસણભરી અને માથાના દુ:ખાવા સમાન પરિસ્થિતિ સર્જાઇ છે.