ભાજપ શાસનનું કેગ ઓડિટ થાય તો ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જાય : કોંગ્રેસ

ભાજપ શાસનનું કેગ ઓડિટ થાય તો ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જાય : કોંગ્રેસ

Share this:

  • રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડરના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે ચગાવશે
  • કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ, સરકારમાં પણ ઘેરા પ્રત્યાઘાત : મ્યુનિ.ચૂંટણી પહેલાં જ ભાજપ મોટા વિવાદમાં સપડાયું, કોન્ટ્રાકટર કામમાં નિષ્ફળ જાય તો મ્યુનિ. મશીનો ખરીદી લેશે તેવી પક્ષપાતી અને વિચિત્ર શરત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી ખાતા દ્વારા શહેરમાં ગટર સફાઇના કામકાજ માટે બે રિસાઇકલર મશીનો ભાડે લેવા અંગેના રૂ.૩૫.૬૫ કરોડના બહાર પાડવામાં આવેલા ટેન્ડરને પગલે અમ્યુકોની આગામી ચૂંટણી પહેલાં જ બહુ ગંભીર અને મોટો વિવાદ સામે આવ્યો છે ત્યારે હવે ખુદ સરકારમાં પણ તેના બહુ ગંભીર અને ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભાજપ માટે સત્તાની દ્રષ્ટિએ બહુ મહત્વની અને પ્રતિષ્ઠાભરી મનાતી અમ્યુકોની ચૂંટણી પહેલાં જ આ વિવાદ સામે આવતાં ભાજપ માટે ડિફેન્સનો માથાનો દુ:ખાવો ઉભો થયો છે તો કોંગ્રેસ માટે ચૂંટણી ટાણે જ એક બહુ મોટો અને વિવાદનો મુદ્દો હાથ લાગી ગયો છે. જેથી હવે ભાજપ માટે તો સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ બની રહી છે. ખાસ કરીને ગાંધીનગરના કોઇ અધિકારીના ઇશારે બે રિસાઇકલર મશીનો ભાડે લેવાનો કારસો રચાઇ રહ્યો હોવાની ચર્ચા ખુદ ભાજપ અને અમ્યુકો વર્તુળમાં ચર્ચાની એરણે છે તો, બીજીબીજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હવે ગંભીર આક્ષેપો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી ટાણે આ કૌભાંડના વિવાદનો મુદ્દો જોરશોરથી ચગાવવામાં અને તેને લઇને પબ્લીકમાં જવાનું મન બનાવાયુ છે, જેને લઇ હવે ભાજપ માટે બહુ વિમાસણભરી અને માથાના દુ:ખાવા સમાન પરિસ્થિતિ સર્જાઇ છે. મ્યુનિસિપલ કમિશનર અને એન્જીનીયરો દ્વારા પેટ ચોળીને શૂળ ઉભુ કર્યુ હોય તેવા વિવાદને પગલે હવે ખુદ સરકારમાં પણ આ મામલે ગતિવિધિ શરૂ થવાની શકયતા છે.

બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા દિનેશ શર્માએ અમ્યુકોની ચૂંટણી પહેલા આ સમગ્ર કૌભાંડને લઇ ભાજપના ભ્રષ્ટાચારી ચહેરાને પ્રજામાં ખુલ્લા પાડવાની સાફ ચીમકી ઉચ્ચારી છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપના આ એક વધુ કૌભાંડને લઇ આકરા પ્રહારો કરતાં જણાવ્યુ કે, અમદાવાદ સહિતના મહાનગરોમાં ભાજપે સત્તાના જોરે તેના મળતીયાઓ માટે જાણે ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવી દીધા છે. પ્રજાના મહેનત-પરસેવાના અને ટેકસના નાણાં આડેધડ રીતે વસૂલી ઉઘરાવેલા આવા કરોડો રૂપિયા ભાજપ તેની વાહવાહી લૂંટવામાં અને તેના મળતીયાઓને કરોડો રૂપિયાની લ્હાણી કરવામાં વેડફયા છે. જો નૈતિકતાના ધોરણે ભાજપ અમદાવાદ સહિતના મહાનગરોમાં છેલ્લા પંદર વર્ષના શાસનનું કેગ ઓડિટ કરાવે તો ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જાય. જો કોંગ્રેસ અમ્યુકોની સત્તામાં આવશે તો, પ્રજાને ન્યાય અપાવવા અને તેમના મહેનત પરસેવાના પૈસાનો હિસાબ મળે તે માટે કોંગ્રેસ કેગ મારફતે ઓડિટ કરાવી ભાજપના આવા કૌભાંડને ઉજાગર કરી તેમાં જે કોઇ સંડોવાયેલા હશે તે ભાજપના અમ્યુકોના શાસકો અને કસૂરવાર કે જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ આકરી કાયદેસર કાર્યવાહી કરશે.
અમ્યુકો અને સરકારમાં ચર્ચાના ચગડોળે ચઢેલા આ વિવાદમાં પ્રાપ્ત માહિતી મુજબ, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળ દરમ્યાન કરકસરની સૂચના સરકારમાંથી હોવાછતાં પ્રજાના પરસેવાના ટેક્સના નાણાં કોઇને ઓબ્લાઇઝ કરવાના ભાગરૂપે ટેન્ડર બહાર પાડીને વેડફાઇ રહ્યા છે. ગુજરાતભરમાં કયાંય ના હોય તેવી વિવાદીત શરતને લઇ મામલો વકર્યો છે. કારણ કે, જો કોન્ટ્રાકટર કામ કરવામાં નિષ્ફળ જાય તો તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સેકન્ડ હેન્ડ રિસાઇકલર મશીનો ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ ખરીદી લેશે આવી વિચિત્ર શરતને લઇ આ ક્ષેત્રના નિષ્ણાતો પણ માથુ ખંજવાળતા થઇ ગયા છે. એટલે કે, આખીય વાતમાં નફો કોન્ટ્રાકટરનો અને નુકસાન કે જોખમ માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું. બીજી રીતે સમજીએ તો એવું કહેવાય કે, કોઇ ટેક્સી ભાડે લઇને મુંબઇ જવા નીકળે અને અડધા રસ્તે જો કાર ખરાબ થઇ જાય તો, ભાડે કરનાર વ્યકિતેએ જ કાર ખરીદી લેવાની. સમગ્ર મામલામાં શંકા એટલા માટે પણ જન્મે છે કારણ કે, આ ટેન્ડરમાં અસાધારણ અને અસામાન્ય ગુપ્તતા તેમજ ઉતાવળ દાખવવામાં આવી રહી છે. સામાન્ય રીતે ટેન્ડરની કામગીરી છ મહિને પૂર્ણ થતી હોય પરંતુ કરોડોની મલાઇના આ કિસ્સામાં માત્ર છ અઠવાડિયામાં જ ટેન્ડર પ્રક્રિયા આટોપી લેવાઇ છે. બીજી એક નોંધનીય વાત એ છે કે, સામાન્ય રીતે જો અમ્યુકો કોઇ ખરીદી કરે તો રાજય સરકારમાંથી પૂરી કે અમુક ગ્રાંટ મળતી હોય છે પરંતુ આ કિસ્સામાં તો, સમગ્ર રકમ અમ્યુકોની તિજોરીમાંથી જ જવાની છે એટલે, પ્રજાના પરસેવાના પૈસા અમ્યુકોના શાસકોના ઉતાવળીયા, પક્ષપાતી અને વગરવિચાર્યા નિર્ણયને લીધે વેડફાય તેવો ઘાટ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ પીરાણા માટે ઉંચા ભાડે લેવાયેલા ટ્રોમીલ મશીનોના કૌભાંડને લઇને પણ સરકાર સુધી તેના પડઘા પડયા હતા અને હવે ફરી રિસાઇકલર મશીનો કરોડો રૂપિયાના ખર્ચે ભાડે રાખી કોન્ટ્રાકટરોને લ્હાણી કરી આપવાના કારસાને લઇ ભાજપ સરકાર ફરી એકવાર શરમજનક અને ડિફેન્સની ભૂમિકામાં આવે તેવી કપરી પરિસ્થિતિ સર્જાઇ છે. કારણ કે, ટ્રોમીલ મશીનોનું શીફ્ટનું ભાડું રૂ.૫૧ હજાર નક્કી થઇ રહ્યું છે, સાત વર્ષના કોન્ટ્રાકટમાં છેલ્લે તો, અમ્યુકોના કરોડો રૂપિયાનું આંધણ થઇ જવાની ભીતિ છે. બીજી એક સૂચક વાત એ છે કે, અગાઉના વર્ષોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપરસક્કર અને જેટીંગ મશીનો ભાડે લેવાતા હતા તે પ્રથા જે કમિશનર બંધ કરીને ખરીદવાનું ચાલુ કરાવ્યુ હતુ તે જ અધિકારી હવે ફરી ભાડાના ચક્કરમાં પડી રહ્યા છે તે બાબત જ સ્વાભાવિક શંકા અને પ્રશ્નો જન્માવે છે. હવે રાજય સરકાર આ મામલે દરમ્યાનગીરી કરી તાત્કાલિક ચિત્રમાં આવે તો ભાજપ સરકારના ભ્રષ્ટાચારમુકત અને પારદર્શી શાસનની છબી જળવાશે નહી તો, વિપક્ષ કોંગ્રેસને ફરી એકવાર સરકાર પર પ્રહાર કરવાની અને શિષ્ટ છબી પર દાગ લગાવવાની હાથવગી તક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ મળી જશે, જેના પરિણામ ભાજપ અને ચૂંટણીમાં ઉભા રહેનારા તેના ઉમેદવારોને પણ સહન કરવા પડે તો નવાઇ નહી એવી ચર્ચા ખુદ ભાજપના વર્તુળમાં જોર પકડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *