MBBS / MD / MS સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની એક સત્ર ફી માફી કરવા કોંગ્રેસની ઉગ્ર માંગણી

Share this:

  • ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડૉ.મનીષ દોશીએ મુખ્યમંત્રી સહિતના સત્તાધીશોને લેખિત રજૂઆત કરી માંગ કરી
  • મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય – સ્કોલરશીપ તાત્કાલીક આપવા પણ રજૂઆત

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીમાં કપરા કાળ વચ્ચે ઉભી થયેલી ગંભીર અને વરવી પરિસ્થિતિ ને લઈ મેડિકલ અને પેરા મેડિકલ શિક્ષણ સત્રની ફી માફ કરવા
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડૉ. મનિષ એમ. દોશીએ રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીશ્રી એવા નિતિનભાઈ પટેલ સહિતના સંબંધિત સત્તાવાળાઓ ને ઉગ્ર રજૂઆત કરી માંગ કરી છે.
ડૉ.મનીષ દોશીએ મુખ્યમંત્રી સહિતના સત્તાધીશોને કરેલી રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલ મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમીયોપેથી અને પેરામેડીકલ અભ્યાસક્રમ સહિત વિવિધ વ્યવસાયીક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિવિધ કોલેજો દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય – સ્કોલરશીપ આજદિન સુધી સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી. સરકારના ડીજીટલ સ્કોલરશીપ પોર્ટલ, એમ.વાય.એસ.વાય. પોર્ટલમાં વિદ્યાર્થીઓએ સમયસર રીન્યુ માટે, નવા શૈક્ષણિક સત્ર માટે જરૂરી કાર્યવાહી કર્યા હોવા છતાં વિદ્યાર્થી – વાલીઓને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. બીજીબાજુ સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણીક કાર્ય શરૂ થયુ ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે. ફી નહી ભરે તો પરિક્ષા ફોર્મ અને રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દબાણ કરી રહ્યાં છે. પરિણામે સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ વ્યાપક પ્રમાણમાં આર્થીક હાલાકી હોવા છતાં ગમે તેમ કરીને ફીની ઉંચી રકમ ભરવા માટે મજબુર બન્યા છે.
રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજોમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫૦૦૦ વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦ થી ૧૫ લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં ૮ લાખ થી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં તા.૨૧ માર્ચ થી શૈક્ષણીક સંસ્થાઓમાં શૈક્ષણીક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડીસેમ્બર મહિનો પૂર્ણ થયા પછી હજુ ક્યારે તબીબી શિક્ષણ શરૂ થાય તે અંગે અનિશ્ચીતતા પ્રવત્તતી રહી છે. આ સંજોગોમાં જ્યારે તબીબી શિક્ષણ જ ૧૦ મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે ત્યારે, મેડીકલ કોલેજો સહીતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, ઈલેક્ટ્રીસીટી ખર્ચા થયા નથી. બીજીબાજુ મંદી, મોંઘવારી થી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના તબીબી શિક્ષણ MBBS, MD, MS, BDS, BAMS, BHMS અને પેરામેડીકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા આપશ્રીને અને મહામહિમશ્રી રાજ્યપાલશ્રીને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધીશ્રી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત – રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજુઆત કરવામાં આવી હતી. વધુમાં વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાયું છે, પણ આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી. આપને તાકીદે એક સત્ર ફી માટે નિર્ણય કરવા વિનંતી છે. જેથી વાલીઓને રાહત થાય અને સાથોસાથ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય–સ્કોલરશીપ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં તાત્કાલીક જમા થાય તે માટે તાત્કાલીક નિર્ણય કરવા વિનંતી પણ ડૉ.દોશીએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *