દેવદિવાળી અને ગુરુ નાનક જ્યંતિના શુભ અવસરે અમદાવાદીઓ તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે નવું નજરાણું

Share this:

  • કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકસન ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ
  • ભારત અને ગુજરાત આગામી ત્રણ મહિના માં જ પૂર્વવત જી ડી પી વિકાસ દર હાંસલ કરી લેશે : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ
  • કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે
  • ગુજરાતને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ચટ્ટાનની જેમ ગુજરાત સરકારની પડખે ઉભી છે : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ:-
  • ૫૦ કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઊભી થઈ છે
  • માર્ગો સહિતના ઈન્ફરાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોથી ગુજરાતના શહેરોને વિશ્વ કક્ષાના આધુનિક શહેરોની સગવડ આપીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે -મુખ્યમંત્રીશ્રી
  • ગુજરાતે દેશમાં સૌથી વધુ ૫૨ ટકા ઉપરાંત એફ.ડી.આઇ. મેળવ્યું
  • અમદાવાદ-ગાંધીનગરને જોડતા નવા માર્ગો લોકોની સુખાકારી માટે ટોલ ફ્રી રાખ્યા છે
  • માર્ગ-મકાન વિભાગની સક્રિય કામગીરી લીધે ગુજરાત દેશમાં સૌપ્રથમ ફાટકમુક્ત રાજ્ય બનશે
  • સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ અને સાણંદ જંકસન ફ્લાય ઓવર રૂ. ૩૬ કરોડના ખર્ચે થયો છે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે આજે અમદાવાદમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તેમણે ગુજરાતમાં થયેલા મહત્વના કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના સમયમાં પણ વિકાસની ગતિ રોકાઈ નથી જે અભિનંદનને પાત્ર છે.
ગુજરાતની જી.ડી.પી. પહેલાની જેવી સ્થિતિ આગામી સમયમાં ઝડપથી હાંસલ કરી લેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી દ્વારા કોરોનાની દૂરોગામી અસરોને ધ્યાનમાં રાખીને વીજળી, રોડ, ઉદ્યોગ નીતિ વગેરે ક્ષેત્રોમાં સુધારા કરી રૂ.૨૦,૦૦૦ કરોડનું પેકેજ દેશને આપ્યું હતું જેના પરિણામે આગામી ત્રણ મહિનામાં દેશ તેની પૂર્વ સ્થિતિ હાંસલ કરી રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ સ્પષ્ટ પણે જણાવ્યું કે ગુજરાતે કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ રફતાર જાળવી રાખી છે.
આજે રાજ્યમાં વીજ ખપત કોરોના પહેલા ના સમય જેટલી થઈ ગઈ છે.
એટલુજ નહિ ગુજરાત આવનારા દિવસોમાં પહેલા જેટલો જ જી ડી પી રેટ પણ હાસલ કરી લેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
શ્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત સહિત દેશ આખો કોરોના સામે નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વ માં લડી રહ્યો છે.
પ્રધાન મંત્રી શ્રી એ કોરીનાની આ મહામારી ની સ્થિતિની અસર દેશના અર્થતંત્ર પર ના પડે તે માટે આગવી દૂરદર્શિતા દાખવી ને પોલિસી મેકીંગ કર માળખું ઇન્ડસ્ટ્રીયલ સેકટર સહિત અનેક ક્ષેત્રોમાં સુધારા રિફર્મ લાવી દેશને આગળ વધાર્યો છે.
તેમણે ગરીબો માટે 20લાખ કરોડ નું પેકેજ પણ આપ્યું છે. ગૃહ મંત્રી શ્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બધા ના પરિણામે આપણે એફ ડી આઇ એફ આઇ આઇ માં અનેક ગણી સારી સ્થિતિ માં છીએ આગમી ત્રણ મહિના માં આપણે જી ડી પી માં પણ પૂર્વવત સ્થિતિ હાસલ કરીશું
તેમણે ઉમેર્યું કે પ્રધાન મંત્રી શ્રી એ લાંબા ગાળાની અસરો ધ્યાને રાખી નીતિ વિષયક સુધારાઓ કર્યા છે તે પરિણામ કારી નીવડશે.
સિંધુભવન ચાર રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સરખેજ- ચિલોડા- ગાંધીનગરના નવનિર્મિત છ માર્ગીય નવનિર્મિત રોડ અમદાવાદ અને ગાંધીનગરના સૌથી ઝડપથી વિકસતાં વિસ્તારમાંથી પસાર થાય છે. તેઓ જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેવા ગાંધીનગર મતક્ષેત્રમાંથી ૯૦% માર્ગ પસાર થાય છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાતને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ચટ્ટાનની જેમ ગુજરાત સરકારની પડખે ઉભી છે તેમ જણાવી કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે તેની તેમણે પ્રશંસા કરી હતી.
આજે નિર્મિત અમદાવાદ -ગાંધીનગર -ચિલોડા છ માર્ગીય રોડ થી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જોડાવાની સાથે રાજસ્થાન જેવા રાજ્ય પણ જોડાશે. આ છ માર્ગીય રોડ લોકોની ટ્રાફિકની સમસ્યા નિવારી ઓદ્યોગિક વિકાસ માટે પણ ઉપકારક સાબિત થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ શ્રી અમિતભાઈ શાહે સૌરાષ્ટ્ર -ગાંધીનગર તથા ગુજરાત- રાજસ્થાનને જોડતાં આ માર્ગને ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું કે, આ ફ્લાય ઓવરની સાથે અન્ય ફ્લાયઓવર પણ બનશે જેનાથી રોકટોક વગરના ૫૦ કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા દેશમાં નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઊભી થઈ છે.
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માળખાકીય વિકાસમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે તેમ જણાવી કહ્યું કે, મોટા રેલ્વે સ્ટેશન, સાગર કિનારાને દેશ સાથે જોડવા માટે ગુજરાતમાં અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય વિકાસકાર્યોથી દેશમાંઅગ્રેસર છે તે માટે રાજ્ય સરકારને તેમણે અભિનંદન આપ્યા હતા.
ગુજરાતે આ વિકાસયાત્રામાં લીડ લીધી છે. આજે પ્રગટ થયેલા અખબારી અહેવાલો અનુસાર વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં ૫૨ ટકાના રોકાણ સાથે સૌથી આગળ તે ગૌરવપ્રદ ઘટના છે તેમ તેમણે ઉમેર્યું હતું.
દરમ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો મહત્ત્વનો ધોરીમાર્ગ રાજકોટ- ગાંધીનગર હાઈવેને ૬ માર્ગીય કરવાના પ્રથમ ચરણમાં બે ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ દેવ દીવાળીના પાવન પર્વે ગુજરાતના વિકાસની નવિન ક્ષિતિજો ઉઘાડનારો અવસર બન્યો છે.
મુખ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાતમાં માર્ગો સહિત ઈન્ફરાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો થી ગુજરાતના શહેરોને વિશ્વકક્ષાના આધુનિક શહેરોની સગવડ આપીને ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવ્યું છે.
સિંધુભવન ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉદ્ધબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે હંમેશા દુનિયાના આધુનિક શહેરોની સગવડોને અપનાવી ગુજરાતને એક મોડેલ રાજ્ય તરીકે રજૂ કર્યું છે.
ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફ.ડી.આઇ. આખા દેશના ૫૨ % થી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માર્ગો દરિયાઈ માર્ગો હવાઈ માર્ગો સમયની માંગ અનુરૂપ ગુજરાતમાં વિકસાવીને આપણે આ સિદ્ધિ મેળવી છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના વચ્ચે ‘જાન ભી હૈ જહાં ભી હૈ’ એ વડાપ્રધાનશ્રીના કોલને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર કોરોના સામે ઝઝૂમી રહી છે.
આ કોરોના કાળમાં ગુજરાતના વિકાસને રોકાવા દીધો નથી, કામ ચાલુ રાખ્યું છે. કોરોના વચ્ચે પણ છેલ્લા ૪ મહિનામાં ૧૫૦૦૦ કરોડ થી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં કોઈ કામનું ખાતમુહૂર્ત થાય ને પછી વરસો ના વરસો કામ થતું નહિ .
આપણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એવી પદ્ધતિ વિકસાવી કે સમયબદ્ધ રીતે કામો થાય છે.
જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે સમયસર કરીએ છીએ એવી ઝડપે વિકાસ કામો પૂરા કરીએ છીએ એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.
ગુજરાતમાં વિકાસની બધી યોજનાઓ પણ સમય પર પૂર્ણ થાય છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજના, ગિરનારનો રોપ-વે, રોપેક્સ સેવા, સી પ્લેન, કેવડિયાના પ્રકલ્પો જેવી અનેકવિધ માળખાકીય સુવિધાઓથી ગુજરાત દુનિયામાં વિકાસનું રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દિલ્હીથી ગુજરાતના વિકાસમાં રોડાં નાખતી સરકાર હવે નથી. મોસાળે માં પીરસનારી એવી આ સરકાર છે, ત્યારે ‘વિકાસ એક જ મંત્રને ધ્યાનમાં રાખ્યો છે. વિકાસ સિવાય કોઈ વાત નહિ અને જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી પ્રજાના નાણા પ્રજાની સુખાકારી માટે વપરાય તે માટે કમર કસી છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ઉત્તમ બનાવ્યું છે, આપણે તેને સર્વોત્તમ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
દરમ્યાન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કહ્યું કે, સરખેજથી વૈષ્ણોદેવી થઇ ચિલોડાથી હિંમતનગર થઇ રાજસ્થાન જતા મહત્વના રોડની સગવડમાં વધારો કરવાનું મહત્ત્વનું કાર્ય થયું છે. રાહદારીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે ભારત સરકારના સહયોગથી ૪૪ કિલોમીટરના રોડને છ માર્ગીય રોડમાં પરિવર્તન કરવાના પ્રથમ ચરણનું કાર્ય થયું છે.
સાણંદ ચાર રસ્તા પરનો ઓવરબ્રિજ સાણંદ જી.આઇ.ડી.સી. અને સૌરાષ્ટ્રને જોડે છે. આથી ઉદ્યોગ માટેના વાહન વ્યવહાર માટે પણ સરળતા અને સુગમતા ઊભી થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૧૬-૧૭માં માર્ગ મકાન મંત્રી તરીકે આ પ્રોજેક્ટનો ખ્યાલ આવ્યો હતો. અમદાવાદનું જેટલું મહત્વ છે તેવું રાજકોટનું પણ મહત્વ છે. તે ધ્યાનમાં રાખીને રાજ્યના આ નેશનલ હાઇવેને બે માર્ગીયમાંથી ચારમાર્ગીય અને વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી છ માર્ગીય રસ્તો કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે.
વર્ષ ૨૦૧૬-૧૭ માં રાજકોટ અમદાવાદ હાઇવેને છ માર્ગીય કરવાનું શરૂ કરેલું કામ અત્યારે રૂ. બે હજાર કરોડના ખર્ચે ૬૦થી ૭૦ ટકા પૂર્ણ થઇ ગયું છે. સરખેજ થી ચિલોડાનો માર્ગ પણ રૂ. ૮૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ બધું રાજ્ય સરકારના સુંદર આયોજન અને કેન્દ્ર સરકારના સહયોગને કારણે શક્ય બન્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદ ગાંધીનગરને જોડતા માર્ગો પર સંપૂર્ણ ટોલ ફ્રી રસ્તાનું નિર્માણ દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં શક્ય બન્યું છે. આ માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી શ્રી નીતિનભાઇ ગડકરીના અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. રાજ્યના નાગરિકોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર સરળતાથી આવાગમન તેને કારણે શક્ય બન્યું છે.
અત્યારે રાજ્યમાં રૂ. ૧૫ હજાર કરોડના માર્ગ અને મકાન વિભાગના કાર્યો પ્રગતિમાં છે. આવા પ્રોજેક્ટને કારણે સ્ટિલ-સિમેન્ટ ઉદ્યોગને લાભ મળે, મજૂરોને રોજી મળે. આમ ઉદ્યોગની સાથે બજાર પણ ચાલતું રહે છે તેથી વડાપ્રધાનશ્રી આત્મનિર્ભર ગુજરાતની વિભાવના પણ ચરિતાર્થ થઈ છે.
ફાટકમુક્ત ગુજરાત માટે કેન્દ્રની ૫૦ ટકા સહાયની સાથે રૂ. 3૪૦૦ કરોડના ખર્ચે ૬૮ ઓવરબ્રિજનું કાર્ય થયું છે. વધુ ૭૨ બ્રિજનું રૂ. 3000 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. આમ રૂ ૭૪૦૦ ખર્ચે ગુજરાતને ફાટકમુક્ત બનાવવાનું કાર્ય ચાલુ છે.
માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી સંદીપ વસાવાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં રેલવે બ્રિજ, નદી પરના બ્રીજ, છ માર્ગીય રસ્તાઓનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરી લોકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે ૧૪૭ પર સરખેજ – ગાંધીનગર – ચિલોડા ના કુલ ૪૪ કિ.મી.ના માર્ગને ૪ લેનમાંથી ૬ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
તદનુસાર ૨૪૫ મીટરની કુલ લંબાઈનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ ૨૪૦ મીટરની કુલ લંબાઇ સાથે રૂ. ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.
આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી સુરેન્દ્રભાઇ પટેલ તેમજ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *