એહમદ પટેલ ના નિધનથી ગુજરાતના રાજકારણમાં ઘેરા શોક અને આઘાતની લાગણી, કોંગ્રેસમાં તો જાણે શોકનો માતમ છવાયો

એહમદ પટેલ ના નિધનથી ગુજરાતના રાજકારણમાં ઘેરા શોક અને આઘાતની લાગણી, કોંગ્રેસમાં તો જાણે શોકનો માતમ છવાયો

Share this:

  • એહમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના મજબૂત આધારસ્તંભ હતા : સોનિયા ગાંધી
  • કોંગ્રસના દિગ્ગજ રાજકીય નેતા એહમદ પટેલને રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ અને આગેવાનો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ એ.આઈ.સી.સી.ના ખજાનચી, વરિષ્ઠ નેતા, સાંસદશ્રી અહમદભાઈ પટેલના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા એ.આઈ.સી.સી.ના અધ્યક્ષા માનનીય શ્રીમતિ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્યશ્રી અહમદભાઈ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન કોંગ્રેસ પાર્ટી માટે સમર્પિત હતું. તેમની નિષ્ઠા અને સમર્પણ, પોતાના કર્તવ્યના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવાનું અને તેમની શાલીનતા કાંઈક એવી ખુબીઓ હતી જે તેમને બીજાઓથી અલગ બનાવતી હતી. મેં નિષ્ઠાવાન સહયોગી અને મિત્રને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. હું તેમના નિધન પર શોક પ્રગટ કરું છું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.


એ.આઈ.સી.સી.ના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્યશ્રી અહમદભાઈ પટેલના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શ્રી અહમદભાઈ પટેલ એક એવા સ્તંભ હતા જે સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઊભા હતા. આ દુઃખનો દિવસ છે. શ્રી અહમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનો સ્તંભ હતા. તે બહુ મોટી બચત હતા. અમને તેમની ખોટ રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે.
એ.આઈ.સી.સી.ના મહાસચિવ શ્રી પ્રિયંકા ગાંધીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, શ્રી અહમદભાઈ પટેલની કોંગ્રેસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સેવા અસિમિત હતી.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એ.આઈ.સી.સી.ના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ ત્રણ વખત લોકસભાના સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ હતા તેમજ શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક વરિષ્ઠ નેતા અને ગુજરાતના પનોતા પૂત્ર ગુમાવ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.
એ.આઈ.સી.સી.ના ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે શ્રી અહમદભાઈ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે. કોંગ્રેસપક્ષના નાનામાં નાના કાર્યકર અને પક્ષના સંગઠનમાં કામ કરતા સાથીદારો પ્રત્યે હંમેશા હકારાત્મક વલણના લીધે કોંગ્રેસપક્ષમાં અને અન્ય પક્ષમાં પણ તેમના માટે ઉચ્ચ દરજ્જાનું માન સ્થાપિત થયું હતું તેમના જવાથી કોંગ્રેસપક્ષે એક વરિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, યુવાનોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને પક્ષમાં તેમને યોગ્ય તક આપવી તે તેમનું સતત યોગદાન રહ્યું છે. પક્ષના કાર્યકરો સાથે અતુટ લાગણીનો નાતો તેમના વ્યક્તિત્વની અલગ ઓળખ છે. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજિક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી મધુસુદન મિસ્ત્રી, શ્રી દિપકભાઈ બાબરીયા, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી અને કોંગી અગ્રણી શ્રી ખુરશીદ સૈયદે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આજે ભારત માતાએ પોતાનો દીકરો ગુમાવી દીધો, અમે લોકોએ અમારા પ્રિય દોસ્ત, દાર્શનિક અને પથદર્શકને ગુમાવી દીધા. ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી અહમદભાઈ પટેલ હવે આપણી વચ્ચે નથી. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.
અહેમદ પટેલની રાજકીય સફર
1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા
1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા
1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા
1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા
1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા
1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન
1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા
2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા
2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં
ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *