આદિવાસી અને પછાત વિસ્તારોમાં સ્કૂલો છાત્રાલયો અને આંગણવાડીઓમાં નાસ્તો જમવાનું પૂરું પાડવાના કામમાંથી સખીમંડળોને બાકાત કરાતા વિવાદ હાઈકોર્ટમાં

આદિવાસી અને પછાત વિસ્તારોમાં સ્કૂલો છાત્રાલયો અને આંગણવાડીઓમાં નાસ્તો જમવાનું પૂરું પાડવાના કામમાંથી સખીમંડળોને બાકાત કરાતા વિવાદ હાઈકોર્ટમાં

Share this:

  • નર્મદા જિલ્લાની સખીમંડળ દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી,
  • રાજ્ય સરકાર, આદિજાતિ વિકાસ વિભાગ, નર્મદા જિલ્લાના પ્રોજેક્ટ ઓફિસર અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ડેવલપમેન્ટ રેસિડેન્સીયલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના એક્ઝિક્યુટિવ ઓફિસર વિરુદ્ધ શો કોઝ નોટિસ, વધુ સુનાવણી તારીખ ૨૪મી નવેમ્બરે

અમદાવાદઃ રાજ્યમાં આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી સ્કૂલો, છાત્રાલયો અને આંગણવાડીઓમાં બાળકોને નાસ્તો અને જમવાનું પૂરું પાડવા માટેની કામગીરીમાંથી સેલ્ફ હેલ્પ મહિલા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ચાલતી સખી મંડળોને બાકાત કરવાના સરકારના સત્તાવાળાઓના વિવાદિત નિર્ણય અને ટેન્ડર પ્રક્રિયા ને પડકારતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ વૈભવી નાણાવટી એ રાજ્ય સરકાર, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, નર્મદા જિલ્લાના પ્રોજેક્ટ ઓફિસર અને ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસીડેન્સીયલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના એજ્યુકેશન ઓફિસર વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે અને સમગ્ર કેસની વધુ સુનાવણી તારીખ ૨૪મી નવેમ્બરે રાખી છે.
નર્મદા જિલ્લાની જય માતાજી સખી મંડળના સંચાલક સરોજબેન તડવી દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં બહુ જ મહત્વના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. અરજદારપક્ષ તરફથી એડવોકેટ શ્રીકાંત પી. હસુરકરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી શાળાઓ, છાત્રાલય અને આંગણવાડીઓમાં બાળકોને બે ટાઇમ નાસ્તો અને ભોજન પૂરું પાડવા માટે વિવિધ સખી મંડળોને સમગ્ર કામગીરી સોંપવા અંગે ના ખુદ ગુજરાત સરકારના મહત્વના ઠરાવો થયેલા છે. અગાઉ ખુદ સુપ્રીમકોર્ટે તેના એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં આદિવાસી તેમજ પછાત વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓ શાળાઓ અને છાત્રાલયમાં બાળકોને નાસ્તો અને જમવાનું પૂરું પાડવા માટેની કામગીરી સખી મંડળોને જ સેવા આપવા ઠરાવ્યું હતું અને કોન્ટ્રાક્ટરો ને આ વ્યવસ્થામાં થી દુર રાખવા અથવા તો બાકાત રાખવા સ્પષ્ટ નિર્દેશો કર્યા હતા. સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને આધારે ગુજરાત સરકારે પણ સમયાંતરે નીતિવિષયક નિર્ણય લઇ જુદાજુદા ઠરાવ મારફતે રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી સ્કૂલો, આંગણવાડીઓ અને છાત્રાલયમાં બાળકોને નાસ્તો અને જમવાનું પૂરું પાડવા માટે ની કામગીરી સખીમંડળોને જ સોંપવાની નીતિ અમલી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ તેમજ ખુદ સરકારના ઠરાવો છતાં સરકારના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સરકારના ઠરાવો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા તેમજ માર્ગદર્શિકાઓ નું સરેઆમ ઉલ્લંઘન કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી સ્કૂલો છાત્રાલય અને આંગણવાડીઓમાં બાળકોને બે ટાઇમ નાસ્તો અને જમવાનું પૂરું પાડવાની સમગ્ર કામગીરી માંથી સખી મંડળોને બાકાત કરવાનો બહુ ખતરનાક અને ગંભીર કારસો રચાઈ રહ્યો છે. એટલું જ નહીં સંબંધિત સત્તાવાળાઓ દ્વારા પાછલા બારણે આ સમગ્ર કામગીરી માં કોન્ટ્રાક્ટરોને સામેલ કરવાની હીન ભાવના પણ સામે આવી રહી છે. અરજદારપક્ષ તરફથી નર્મદા જિલ્લાના રાજપીપળાના પછાત વિસ્તારમાં આવેલી સ્કૂલો, છાત્રાલયના બાળકોને નાસ્તો ભોજન પૂરું પાડવાની કામગીરીમાંથી સખી મંડળો આપોઆપ બાકાત થઇ જાય તેવી સંબંધિત સત્તાવાળાઓ ની બિન વ્યવહારુ અને આકરી ટેન્ડર શરતોને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અરજદારપક્ષ તરફથી એડવોકેટ શ્રીકાંત પી. હસુરકરે હાઇકોર્ટનું ધ્યાન દોરતા ખાસ જણાવ્યું કે, સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સખીમંડળો માટે છેલ્લા બે વર્ષથી બિલકુલ ગેરબંધારણીય, અતાર્કિક અને બિનવ્યવહારુ શરતો લાદી તેમને આ કામગીરી માંથી બાકાત કરવાનો કારસો રચાયો છે. સેલ્ફ હેલ્પ મહિલા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ચાલતા સખીમંડળો માટે ત્રણ વર્ષમાં રૂપિયા દોઢ કરોડનું ટર્નઓવર, પીએફ નંબર, જીએસટી નંબર રજુ કરવા સહિતની આકરી શરતો લાદી સખી મંડળોને આ સમગ્ર પ્રક્રિયામાં દૂર કરી દેવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું એ બાબતે ખાસ ધ્યાન દોરાયું કે સંબંધિત સત્તાવાળાઓ ની આ આકરી અને બિન વ્યવહારુ શરતોના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષથી એક તો સખીમંડળ પાસે કોઈ કામ જ નથી અને તેઓના હકની આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરો ને સોંપાઈ રહી છે ત્યારે સખીમંડળો કામના અભાવમાં દોઢ કરોડના ટર્નઓવર ની વિગતો કે જીએસટી નંબર અને પીએફ નંબર કેવી રીતે અને કયા સંજોગોમાં રજૂ કરે તે ગંભીર સવાલ છે. ખુદ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ અને રાજ્ય સરકારે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓ, સ્કૂલો અને છાત્રાલયમાં બાળકોને નાસ્તો અને ભોજન પૂરું પાડવાની કામગીરી માત્ર આવી સેલ્ફ હેલ્પ મહિલા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ચાલતા સખીમંડળોને જ સોંપવામાં આવે અને ખાનગી કોન્ટ્રાક્ટરોને આ સમગ્ર પ્રક્રિયામાં થી દુર રાખવામાં આવે તેમ છતાં રાજ્ય સરકારના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ નું સરેઆમ ઉલ્લંઘન કરી સરકારના ઠરાવો અને નીતિ નિયમોને નેવે મૂકીને યેનકેન પ્રકારે બદઇરાદાપૂર્વક સખીમંડળોને આ સમગ્ર કામગીરી માંથી બાકાત કરી ખાનગી કોન્ટ્રાક્ટરોને પાછલા બારણે સામેલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ બહુ જ ગંભીર અને સંવેદનશીલ મામલે દરમિયાનગીરી કરવી જોઈએ અને સખી મંડળોને ન્યાય અપાવવો જોઇએ. અરજદારપક્ષ તરફથી રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલ સ્કૂલો, છાત્રાલયો અને આંગણવાડીઓમાં નાસ્તો અને ભોજન પૂરું પાડવાની કામગીરી માત્ર અને માત્ર સખી મંડળોને સોંપવામાં આવે તેમજ આ અંગેના સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા નું ચુસ્તપણે અને કડકાઈથી પાલન કરાવવામાં આવે, ઉપરાંત ખાનગી કોન્ટ્રાક્ટરોને આ સમગ્ર પ્રક્રિયા માંથી તમામ પ્રકારે બાકાત રાખવામાં આવે અને નર્મદા જિલ્લાના રાજપીપળા ના કિસ્સામાં સત્તાવાળાઓ દ્વારા જારી ટેન્ડરની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તે સહિતની મહત્ત્વની દાદ પણ જાહેરહિતની રિટ અરજીમાં માગવામાં આવી હતી. અરજદાર તરફથી કરાયેલી રજૂઆત અને દલીલો ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી તેઓની પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી ૨૪મી નવેમ્બરે રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *