કોરોનાની કારમી થપાટ બાદ કાપડ માર્કેટ ૪૫ ટકા સુધી તૂટ્યું, વેપારીઓની હાલત કફોડી

કોરોનાની કારમી થપાટ બાદ કાપડ માર્કેટ ૪૫ ટકા સુધી તૂટ્યું, વેપારીઓની હાલત કફોડી

Share this:

  • કોરોના મહામારી થી સર્જાયેલી મંદીના ગ્રહણમાંથી બહાર નીકળતા કાપડ માર્કેટ ને હજુ ચારથી પાંચ મહિનાનો સમય લાગી જશે
  • વર્ષેદહાડે રૂ. ૮થી ૧૦ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતું કાપડ માર્કેટ હાલ તો કોરોનાની કારમી થપાટ અને મંદીના ગ્રહણ વચ્ચે ડચકા ખાઈ રહ્યું છે, લોકલ ઘરાકી ૫૦ ટકાથી પણ ઓછી, રોજિંદા સ્ટાફમાં ૩૦થી ૩૫ ટકાનો કાપ, વેપારીઓ સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ કોરોના ની વૈશ્વિક મહામારી ની કારમી થપાટ બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યનું કાપડ માર્કેટ હજુ સુધી બેઠું થઈ શક્યું નથી. કોરોનાની કારમી થપાટ બાદ અમદાવાદ નું કાપડ માર્કેટ ૪૫ ટકા સુધી તૂટ્યું છે તો રાજ્યના કાપડ માર્કેટની પણ કંઇક આવી જ હાલત છે. જેના પરિણામે અમદાવાદ શહેર સહિત રાજ્યભરના વેપારીઓની હાલત દિવાળીના તહેવારો તાકડે જ કફોડી બની છે.
કોરોના મહામારી થી સર્જાયેલી મંદીના ગ્રહણમાંથી બહાર નીકળતા કાપડ માર્કેટ ને હજુ ચારથી પાંચ મહિનાનો સમય લાગી જશે. વર્ષેદહાડે રૂ. ૮થી ૧૦ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતું કાપડ માર્કેટ હાલ તો કોરોનાની કારમી થપાટ અને મંદીના ગ્રહણ વચ્ચે ડચકા ખાઈ રહ્યું છે, લોકલ ઘરાકી ૫૦ ટકાથી પણ ઓછી છે તો મંદી વચ્ચે વેપારીઓએ પણ નાછૂટકે તેમના સ્ટાફમાં ૩૦થી ૩૫ ટકાનો કાપ કરવો પડ્યો છે. બીજીબાજુ, વેપારીઓ સરકારની લોનના વ્યાજ માફી અને અન્ય રાહત પેકેજને લઈને વાસ્તવિક અમલ તેમ જ યોગ્ય મદદની રાહ જોઈ રહ્યા છે. દિવાળીના તહેવારો માં કાપડ માર્કેટના વેપારીઓ હજુ પણ ઊંડે ઊંડે છેલ્લી ઘડીએ સારી ઘરાકી ની આશા રાખીને બેઠા છે. દરમ્યાન શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા જાણીતા સફલ ટુ કાપડ માર્કેટ ના વેપારી અગ્રણી પ્રિયંક રમેશ ગીદવાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્ય નું કાપડ માર્કેટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેના વિકાસ પ્રગતિ અને આર્થિક યોગદાન ને લઈને હર હંમેશ નોંધનીય બની રહ્યું છે પરંતુ કોરોના ના કપરા કાળ અને કોરોનાની કારમી થપાટ બાદ કાપડ માર્કેટ બહુ ખરાબ રીતે તૂટ્યું છે.

સરકારની આવકમાં કરોડો રૂપિયાનું ટેક્સ મારફતે યોગદાન આપતું કાપડ માર્કેટ વર્ષે દા’ડે રૂપિયા ૮ થી ૧૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે પરંતુ કોરોના ની કારમી થપાટ બાદ આજે કાપડ માર્કેટ જાણે ડચકા ખાઈ રહ્યું છે. વેપારી આગેવાન પ્રિયંક ગીદવાણી એ વધુમાં ઉમેર્યું કે નોટબંધી અને જીએસટીના કારમા પ્રહારના મરણતોલ ફટકા બાદ કાપડ માર્કેટ માંડ માંડ ધીરે ધીરે તેની રફતારમાં પાછું આવી રહ્યું હતું ત્યાં જ કોરોના ના વજ્રઘાતે કાપડ માર્કેટ ને ફરી એકવાર ગંભીર ફટકો મારી તોડી નાખ્યું છે. કોરોના ની ગંભીર અસરોના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્ય નું કાપડ માર્કેટ પણ ૪૫ ટકા સુધી તૂટ્યું છે અને બજારમાં જાણે મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બહારગામથી આવતા લોકોનો ધસારો બિલકુલ ઓછો જણાઈ રહ્યો છે જ્યારે લોકલ ઘરાકીમાં તો ૫૦ ટકા કરતા પણ ઓછી ઘરાકી નોંધાઇ રહી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરના કાપડ માર્કેટના લાખો વેપારીઓ હાલ કોરોનાની કારમી થપાટ અને તેના કારણે સર્જાયેલી મંદીના અસહનીય માર વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. વાસ્તવમાં વેપારીઓની હાલત બહુ જ કફોડી અને દયનીય છે, કારણ કે તેઓએ લાખો રૂપિયાની લોનો લઇને તેમના ધંધા રોજગારને આગળ ધપાવવાના સાહસિક પ્રયાસો કર્યા છે પરંતુ મંદીના માહોલ વચ્ચે તેમના માટે હાલની પરિસ્થિતિ માં ટકી રહેવું ખૂબ મુશ્કેલ બન્યું છે. આ સંજોગોમાં વેપારીઓ પણ સરકાર તરફથી હકારાત્મક અભિગમ અને યોગ્ય રાહત પેકેજ સહિતના જરૂરી પગલાં સાથે દરમિયાનગીરી કરાય તેની રાહ જોઈને બેઠા છે. સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી લોનના વ્યાજ ની માફીની જાહેરાત ના વાસ્તવિક અમલ માટેની પણ વેપારીઓ માંગ ઉઠાવી રહ્યા છે કારણ કે બેન્કો દ્વારા કેન્દ્રની આ જાહેરાતનો વાસ્તવિક અમલ થઈ રહ્યો નથી જેને લઇને પણ વેપારીઆલમમાં વત્તાઓછા અંશે નારાજગી ની લાગણી પ્રવર્તી રહી છે. વેપારી અગ્રણી પ્રિયંકા રમેશ ગીદવાણીએ ઉમેર્યું કે, કાપડ માર્કેટ ને કોરોનાના કપરા કાળ અને મંદીના માહોલ વચ્ચેથી બહાર નીકળતા હજુ પણ ચારથી પાંચ મહિના જેટલો સમય લાગી જશે પરંતુ ત્યાં સુધીમાં વેપારીઓની હાલત ભારે દયનીય બની જાય તેમ છે. કોરોનાની કારમી થપાટ અને મંદીના માહોલ વચ્ચે વેપારીઓને તેમના રોજિંદા સ્ટાફમાં ૩૦થી ૩૫ ટકાનો કાપ મૂકવાની ફરજ પડી છે જ્યારે લોકલ માર્કેટમાં પણ ઉઘરાણી અને ક્રેડીટની વાત જોખમાઈ છે ત્યારે કાપડ માર્કેટમાં પણ બેરોજગારીનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે તો બીજી બાજુ આર્થિક કટોકટી પણ બહુ મોટી સમસ્યા સર્જી રહી છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર તેમજ સંબંધિત સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી વેપારી આલમની પડખે આવવું જોઈએ અને તેઓને આ કટોકટી ભર્યા અને પડકારજનક સમય માંથી બહાર લાવવાના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવા જોઈએ. હાલ તો દિવાળીના તહેવાર ટાણે ઘરાકીના અભાવે મંદી ના ગ્રહણને લઇને વેપારીઓ ખુબ જ મુશ્કેલીભર્યા સમય માંથી પસાર થઈ રહ્યા છે તેમછતાં હજુ પણ વેપારીઓને ક્યાંક ઊંડે ઊંડે છેલ્લી ઘડીની સારી ઘરાકી ની આશા છે.
વિશ્વના મોટાભાગના દેશોમાં અમદાવાદ સુરત અને રાજ્યમાંથી મોટા પાયે કાપડની નિકાસ થાય છે
અમદાવાદ સુરત સહિત ગુજરાતના કાપડ માર્કેટ નહીં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં બોલબાલા છે અને તેના કારણે જ દુનિયાના મોટાભાગના દેશોમાં અહીંથી રેડીમેડ કપડા અને કાપડની મોટાપાયે નિકાસ થાય છે ખાસ કરીને પશ્ચિમ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોમાં મોટા પાયે અહીંથી કાપડની નિકાસ થતી હોય છે ત્યારે વૈશ્વિક મહામારી કોરોના ના લીધે કાપડની તેમજ રેડીમેડ કપડાની નિકાસ પર પણ બહુ ગંભીર અને ખરાબ અસરો પડી છે. હજારો કરોડનું નિકાસનું માર્કેટ પણ ઓવર ઓલ બહુ ચિંતાજનક રીતે તૂટ્યું છે જેની સીધી અસર વેપારીઓના ધંધા અને સરકારની જીએસટી સહિતની આવક પર પડી છે એમ પણ વેપારી આગેવાન પ્રિયંક ગીદવાણી એ સ્પષ્ટ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *