સુરતના ગેરકાયદે બાંધકામના કેસમાં યોગ્ય કાર્યવાહી માટે હાઇકોર્ટનો નિર્દેશ

Share this:

  • સુરત ના ગૌતમ પટેલે મ્યુનિસિપલ કમિશ્નર વિરુદ્ધ કરેલ કન્ટેમ્પ્ટ પેટીશનનો નિકાલ

અમદાવાદ: સુરત પાંડેસરાના રહેવાસી ગૌતમ ચંદુંભાઇ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લિકેશન નં. ૬૦૧૯/૨૦૧૯ દાખલ કરી રજૂઆત કરી હતી કે, પાંડેસરામાં ભાજપના કોર્પોરેટર દેવીદાસ વાનખેડેએ તેમની પત્નીના નામે હાઉસીંગ બોર્ડમાં ગેરકાયદે બાંધકામ કરેલ છે, જેના કોઇ પ્લાન મંજૂર થયા નથી ઉપરાંત તેમના પાડોશી બલીરામ બરાઠેએ પણ ગેરકાયદે બાંધકામ કરેલ છે તેથી જેટલું પણ ગેરકાયદે બાંધકામ હોય તે કોર્પોરેશને તોડવું જોઇએ. સદર રીટ પીટીશનમાં તા. 27.03.2019 ના રોજ હાઇકોર્ટે એવો હુકમ કરેલ કે મ્યુનિસિપલ કમિશ્નર પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ અરજદારની રજૂઆતને ધ્યાને લેશે અને તમામ પક્ષકારોને રૂબરૂ સાંભળવાની તક આપ્યા બાદ કાયદા મુજબના પગલાં શક્ય એટલાં વહેલા લેશે. પરંતુ ઘણા વિલંબ બાદ પણ ફક્ત રૂબરૂ સુનાવણી અને તે પણ કાર્યપાલક ઇજનેર મારફત થવાથી અરજદારે પોતાના એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફત એમ.સી.એ. નં. 168/2020 દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશ્નર તથા ઝોનલ ઓફિસર વિરુદ્ધ કારણદર્શક નોટિસ કાઢી હતી. ત્યારબાદ ઝોનલ ઓફિસર રાજેશ જરીવાળાએ જવાબ રજૂ કર્યો હતો કે, તા. 13.03.2020 ના રોજ તેમણે જે-જે ગેરકાયદે બાંધકામ હતું તેના કારણો આપી યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. તેના જવાબ રૂપે અરજદાર પક્ષ તરફથી એડવોકેટ નિમિષ કાપડિયાએ રજૂઆત કરી હતી કે, મંગળાબેન દેવીદાસ વાનખેડેના પાંડેસરા જલારામ નગર મિલકત નં. બી-121 નો ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળમાં આર.સી.સી.નું કરેલ ગેરકાયદે બાંધકામ તથા મિલકત નં. બી-122 માં ગ્રાઉન્ડ ફ્લોરના અમુક ભાગમાં કરેલું કોમર્શિયલ હેતુ માટેનું બાંધકામ તથા પહેલા અને બીજા માળમાં અમુક ભાગમાં કરેલું વધારાનું બાંધકામ દૂર કરવા કાર્યપાલક ઇજનેરે તા. 30.08.2020 ના રોજ સાત દિવસની મુદત આપતી નોટિસ આપી. તે જ રીતે બલીરામને પણ નોટિસ આપી હતી. પરંતુ વાનખેડે કોર્પોરેટર હોવાથી કોર્પોરેશને બાંધકામ દૂર કરવા માટે વધુ પગલાં લીધા નથી. આ કેસની સુનાવણી તા. 03.11.2020 ના રોજ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ નિર્ઝર દેસાઇ સમક્ષ નીકળતાં તેમણે એવું તારણ આપેલ કે અરજદારને રૂબરૂ સાંભળી તા. 30.08.2020 ના રોજ, જેમણે ખોટું કર્યું છે તેવા પક્ષકારોને નોટિસ પાઠવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે. હાઇકોર્ટે એવું અવલોકન કર્યું કે કાર્યવાહીને તાર્કીક નિરાકરણ (Logical Conclusion) આપવામાં આવે, ખાસ કરીને જ્યારે કોર્પોરેશન વિરુદ્ધ કોઇ હુકમ નથી કે કોઇ મનાઇ હુકમ નથી. ઉપરાંત એડવોકેટશ્રી ચંદ્રેશ વીણએ કોર્પોરેશન તરફે અને એક કોર્ટના અધિકારી તરીકે રજૂઆત કરેલ કે કાયદો તેનું કામ કરશે. હાઈકોર્ટે એવી આશા વ્યક્ત કરી કે હાઇકોર્ટમાં પેન્ડિંગ રીટ પીટીશનના કારણો આ તાર્કીક નિરાકરણ (Logical Conclusion) માટે બાધારૂપ નીવડશે નહિ અને આ કારણોસર હાઇકોર્ટે ઉપરોક્ત કન્ટેમ્પ્ટ પીટીશનનો નિકાલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *